Wednesday, June 25, 2025
More

    ‘જાણે ઘરના વડીલે માથે હાથ મૂક્યો હોય’: પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર શુભમ દ્વિવેદીના પરિવાર સાથે PM મોદીની મુલાકાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (30 મે) કાનપુરની (Kanpur) મુલાકાતે છે. આ દરમિયાન તેમણે પહલગામ આતંકી હુમલામાં (Pahalgam Terrorist Attack) જીવ ગુમાવનાર શુભમ દ્વિવેદીના (Shubham Dwivedi) પરિવાર સાથે કાનપુરના ચકેરી એરપોર્ટ પર મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ શુભમના પત્ની ઐશન્યા અને તેમના પિતાએ મીડિયા સાથે વાતચીત કરીને PM સાથેની મુલાકાતનો અનુભવ રજૂ કર્યો હતો.

    ઐશન્યાએ કહ્યું હતું કે, “PM મોદીએ કહ્યું કે, આખો દેશ અને સરકાર અમારી સાથે ઉભી છે. તેમણે સંવેદના વ્યક્ત કરી…PM મોદી ખૂબ જ દુઃખી હતા…PM મોદીએ મને પહલગામ આતંકવાદી હુમલા વિશે પૂછ્યું… તેમણે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈ હજુ સમાપ્ત થઈ નથી… તેમણે અમને બીજી મુલાકાતનું આશ્વાસન પણ આપ્યું…”

    આ ઉપરાંત ઐશન્યાએ આજતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “જાણે ઘરના કોઈ વડીલે માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હોય, એવો અનુભવ થયો. PM મોદીએ અમારી સાથે ખૂબ જ લાગણીશીલ રીતે વાત કરી અને અમારા દુ:ખમાં સહભાગી થયા.”

    શુભમના પિતાએ ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “”પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં આતંકવાદ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંનો નાશ કરવામાં આવ્યો હતો, અમારા પરિવારે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી… આતંકવાદ સામેની લડાઈમાં આખો સમાજ પ્રધાનમંત્રીની સાથે છે… PM મોદીએ અમને કહ્યું છે કે, આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે… PM મોદી પણ ભાવુક થઈ ગયા હતા.”