બલૂચિસ્તાનના એક વિસ્તારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટથી ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટમાં 4 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. હાલ સુધીમાં કોઈપણ આતંકવાદી જૂથે આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી. આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે તાજેતરમાં જ બલોચ નેતા મીર યારે પ્રાંતની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી.
રવિવારના (18 મે, 2025) રોજ મોડી રાત્રે બલૂચિસ્તાનના કિલા અબ્દુલ્લાહ શહેરમાં જબ્બાર માર્કેટ પાસે પાર્ક કરેલી એક કારમાં અચાનક બૉમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે ઘટનાસ્થળની નજીક આવેલી ફ્રન્ટિયર કોર્પ્સની (FC) ઇમારતોની બહારની દિવાલો પણ તૂટી ગઈ હતી. વિસ્ફોટ બાદ ઘણી દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી, નજીકમાં પાર્ક કરેલા વાહનો અને ઘણી સંસ્થાઓમાં આગ લાગી ગઈ હતી.
દરમિયાન બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે બૉમ્બ વિસ્ફોટની નિંદા કરી છે અને કહ્યું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે. જોકે, આ બૉમ્બ વિસ્ફોટ પાછળ વંશીય બલોચ અલગતાવાદીઓનો હાથ હોવાની શંકા છે. આ લોકો ઘણીવાર બલૂચિસ્તાન અને અન્ય ભાગોમાં સુરક્ષાદળો અને નાગરિકોને નિશાન બનાવે છે.