Monday, March 24, 2025
More

    કોમેડિયન કુણાલ કામરા વિવાદમાં લપેટાશે રાહુલ ગાંધી, આદિત્ય ઠાકરે અને સંજય રાઉત!: શિવસેનાએ ત્રણેય નેતાઓ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

    મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) વિશે અપમાનજનક ટિપ્પણી કરવા માટે કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) હાલ વિવાદમાં ફસાયો છે. તેના વિરુદ્ધ મુંબઈ પોલીસે FIR પણ નોંધી લીધી છે. બીજી તરફ કુણાલ કામરાએ જે સ્થળ પરથી ટિપ્પણી કરી હતી, તે હોટેલમાં પણ શિવસેનાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે. વધુમાં શિવસેનાએ પોલીસ ફરિયાદ આપી છે અને કાર્યવાહીની માંગણી કરી છે. તેમાં રાહુલ ગાંધી (Rahul Gandhi), સંજય રાઉત (Sanjay Raut) અને આદિત્ય ઠાકરેનું (Aaditya Thackeray) પણ નામ છે.

    શિવસેનાના એક પદાધિકારીએ મુંબઈ પોલીસને પત્ર લખીને કામરા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને શિવસેના UBT નેતા આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ સાથે જ શિવસેનાના પ્રવક્તા કૃષ્ણા હેગડેએ કામરાની ધરપકડ માટેની માંગણી પણ કરી છે.

    શિવસેનાના સોશિયલ મીડિયા પ્રભારી રાહુલ કનાલે પત્ર લખીને રાહુલ ગાંધી, આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, “મારી પાસે તે માનવના કારણો છે કે, કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલું કૃત્ય પૂર્વનિયોજિત હતું અને આદિત્ય ઠાકરે, રાહુલ ગાંધી અને સંજય રાઉત સાથે ગુનાહિત ષડયંત્રને પ્રોત્સાહન આપવા માટે તે કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો.”