બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે (ICT) પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને (Sheikh Hasina) છ મહિનાની જેલની સજા ફટકારી હોવાના અહેવાલો સ્થાનિક મીડિયા તરફથી મળી રહ્યા છે.
જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજમુદારની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી ત્રણ સભ્યોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદો કોર્ટની અવમાનના મામલેના એક કેસમાં આપવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. જેની સાથે જ ઑગસ્ટ 2024માં શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પ્રથમ વખત તેમને કોઈ કેસમાં દોષી ઠેરવીને સજા આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, મામલો ઑક્ટોબર 2024ના એક ફોન કોલ સંબંધિત છે, જેમાં શેખ હસીનાએ કથિત રીતે કહ્યું હતું કે તેમની વિરુદ્ધ 227 કેસ થયા છે, જેથી તેમને 227 લોકોને મારવાનું લાયસન્સ મળ્યું છે. ત્યારબાદ કેસ દાખલ થયા બાદ પ્રોસિક્યુશને દલીલ કરતાં કહ્યું હતું કે આ નિવેદન કોર્ટની અવમાનના કરનારું છે, કારણ કે તેમાં ન્યાયિક પ્રક્રિયાને પડકારવામાં આવી હતી અને કથિત વિદ્યાર્થી આંદોલન દરમિયાનના ગુનાઓની ચાલતી ટ્રાયલને પણ અસર કરવાના ઇરાદે આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શેખ હસીના સામે આ કથિત વિદ્યાર્થી આંદોલનને કચડવા માટે હિંસાનો સહારો લેવાનો પણ આરોપ લાગ્યો છે. જે મામલે જૂન 2025માં જ આરોપો ઘડવામાં આવ્યા હતા.