બાંગ્લાદેશમાં હિંદુ સંત ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની (Chinmoy Krishna Das) ધરપકડ થયા બાદ એક તરફ દેશભરમાં કાર્યવાહી સામે હિંદુઓ વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ (Sheikh Hasina) પણ નિવેદન આપ્યું છે. તેમણે ધરપકડની કાર્યવાહીને વખોડી કાઢીને સંતને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી.
ચિન્મય કૃષ્ણદાસ બાંગ્લાદેશી હિંદુઓ માટે લડવામાં અગ્રણી સંતો પૈકીના એક છે. તેમણે અનેક પ્રદર્શનોની આગેવાની પણ લીધી હતી. ગત 25 નવેમ્બરના રોજ ઢાકા એરપોર્ટ પરથી બાંગ્લાદેશની પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમની ધરપકડ બાદ બાંગ્લાદેશના હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઠેરઠેર પ્રદર્શનો પણ થયાં.
શેખ હસીનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “સનાતન ધાર્મિક સમુદાયના એક અગ્રણી નેતાની ધરપકડ અયોગ્ય છે અને તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવવા જોઈએ. ચિત્તાગોંગમાં એક મંદિર પણ સળગાવવામાં આવ્યું છે. ભૂતકાળમાં અહમદિયાઓનાં ઘરો, મસ્જિદો, ચર્ચ વગેરે પર પણ હુમલા થયા છે. ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત થવી જોઈએ.”