અભિનેત્રી શેફાલી જરીવાલાના નિધન બાદ ચાલેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃત્યુ પહેલાં તેમણે અમુક નિયમિત ચાલતી દવાઓ અને એન્ટી-એજિંગ ઈન્જેક્શન લીધું હતું. ત્યારબાદ અચાનક બ્લડ પ્રેશર ઘટી ગયું હતું. પ્રાથમિક અનુમાન એવું છે કે અભિનેત્રીનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે.
પોલીસ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું કે, શેફાલીએ શુક્રવારે રાત્રે નિયમિત ચાલતી દવાઓ લીધી હતી. બપોરે એન્ટી-એજિંગ ડ્રગનું એક ઈન્જેક્શન લીધું હતું. આ ઈન્જેક્શન તેઓ છેલ્લાં ઘણાં વર્ષથી લઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ ઈન્જેક્શન લીધા બાદ તેમનું બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું અને તબિયત લથડી ગઈ હતી.
પોલીસે અભિનેત્રીના નિવાસસ્થાનેથી દવાઓ અને ઇન્જેક્શનનાં સેમ્પલ મેળવ્યાં હતાં. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ઘરે પૂજા હોવાના કારણે તેમણે આખો દિવસ ઉપવાસ કર્યો હતો અને તેની વચ્ચે દવાઓ લેવાથી આડઅસર થઈ હોય શકે તેવું અનુમાન છે. જોકે ડૉક્ટરો અંતિમ રિપોર્ટ આપે ત્યારબાદ જ ચોક્કસ કારણ જાણવા મળશે.
એન્ટી એજિંગ દવાઓથી ત્વચા યુવા દેખાય છે અને ચહેરા પર પણ રેખાઓ ઓછી દેખાય છે. ઉંમરના કારણે આવતા ફેરફારો અમુક અંશે નિયંત્રિત કરી શકાય છે.