Sunday, March 23, 2025
More

    ‘સરકાર સારું કામ કરે તો પ્રશંસા થવી જ જોઈએ’: નારાજગીની અટકળો વચ્ચે બોલ્યા શશિ થરૂર, પણ પાર્ટી બદલવાની સંભાવનાઓ નકારી

    તાજેતરમાં કોંગ્રેસ નેતા શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાની પ્રશંસા કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે નામ લીધા વગર આ વિચારો થરૂરના પોતાના છે અને પાર્ટીને લાગતું-વળગતું નથી એવો સંકેત પણ આપ્યો હતો અને રાહુલ ગાંધીએ પણ શશિ થરૂર સાથે મુલાકાત કરી હતી. જેમાં શશિ થરૂરે રાહુલને પાર્ટીમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે કહ્યું હોવાનું પણ મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે, જે વિશે હજુ બંને પક્ષેથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ થરૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં આ વિષય પર ઘણી વાતો કરી હતી. 

    ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે, “મારા રાજકીય વિચારો ક્યારેય શિથિલ રહ્યા નથી. જે મને લાગે છે એ હું કહેતો હોઉં છું અને તેમાં રાજકીય દૃષ્ટિકોણથી વિચારતો નથી. એટલે જ જ્યારે સરકાર સારું કામ કરે ત્યારે હું પ્રશંસા પણ કરું છું કે જેઓ કોંગ્રેસના વિરોધી છે તેઓ સારું કામ કરે તો તેમને પણ બિરદાવું છું.”

    આગળ તેમણે કહ્યું કે, “જનતામાંથી મેં ક્યારેય મેં મારી આવી ટિપ્પણીઓ સામે નકારાત્મક પ્રતિક્રિયા જોઈ નથી. પાર્ટીમાં ઘણીવાર થાય છે. તેઓ મને કહે છે કે તમે આપણા પ્રતિદ્વંદીઓ માટે કેમ સારી બાબતો કહો છો, પણ હું કહું છું કે ભલે તેઓ આપણા વિરોધી હોય પણ સારી બાબતોને પ્રોત્સાહન આપવું જોઈએ.”

    જોકે પાર્ટી બદલવાની વાત નકારી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ પાર્ટીઓ બદલવામાં માનતા નથી. તેમણે કહ્યું, “મને નથી લાગતું કે એ યોગ્ય બાબત છે. તમારી પાસે પાર્ટીની બહાર રહેવાની કે અપક્ષ રહેવાની પણ સ્વતંત્રતા હોય છે. આજે રાજકારણ એવું થઈ ગયું છે કે બધાને પોતાની પડખે કોઈ પાર્ટી કે સંગઠન જોઈએ છે.”