કોંગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) અને પાર્ટી (Congress Party) હાઇકમાન્ડ વચ્ચેની કડવાશ હવે જગજાહેર થઇ રહી છે. હાલમાં જ થરૂરે અખબાર ‘ધ હિન્દુ’ માટે લખેલા એક લેખમાં વડાપ્રધાન મોદીની (Prime Minister Modi) પ્રશંસા કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, વડાપ્રધાન મોદીની ઊર્જા, ગતિશીલતા અને સંવાદની ઇચ્છા વૈશ્વિક સ્તરે ભારત માટે ‘એક મોટી સંપત્તિ’ સમાન છે અને હાલ તેને વધુ સમર્થનની જરૂર છે. ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તેમની ઉપર નામ લીધા વિના કટાક્ષ કરતાં થરૂરે પણ એક પોસ્ટ મૂકીને ચર્ચા જગાવી હતી.
આ નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટીના પ્રવકતા સુપ્રિયા શ્રીનેતે આને પાર્ટીની વિચારધારાથી અલગ થરૂરની વ્યક્તિગત ટિપ્પણી ગણાવી હતી. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) આપેલા એક મીડિયા નિવેદનમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “અમારા માટે દેશ પહેલાં આવે છે, પરંતુ કેટલાક લોકો માટે મોદી પહેલાં આવે છે.” ત્યારબાદ બંને પક્ષોએ કડવાશની ચર્ચાએ જોર પકડ્યું હતું.
— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 2025
એક તરફ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનની ચર્ચા થઈ રહી હતી તો બીજી તરફ શશિ થરૂરે બુધવારે (25 જૂન) એક પોસ્ટ મૂકી, જેમાં લખવામાં આવ્યું છે– ‘ઉડવા માટે પરવાનગી ન માંગો. પાંખ તમારી પોતાની છે, અને આસમાન પર કોઈની જાગીર નથી.’ રાજકીય વર્તુળોમાં આ પોસ્ટને અલગ-અલગ રીતે જોવામાં આવી રહી છે. જોકે થરૂરે કોઈ સ્પષ્ટતા કરી નથી.
ઉલ્લખનીય છે કે આ પહેલાં પણ જ્યારે પહેલગામ હુમલા બાદ ઑપરેશન સિંદૂર વખતે શશિ થરૂરે સરકાર અને PM મોદીની પ્રશંસા કરી હતી, ત્યારે પણ કોંગ્રેસના ઘણાખરા નેતાઓને તે પસંદ પડ્યું ન હતું. જોકે શશિ થરૂર ત્યારથી સતત પીએમ મોદી અને સરકાર તરફે નિવેદનો આપતા રહ્યા છે. દરમ્યાન એક-બે વખત તેમની વડાપ્રધાન સાથે મુલાકાત પણ થઈ, ત્યારે પણ બંને નેતાઓ બહુ હોંશથી એકબીજાને મળતા જોવા મળ્યા હતા.