Thursday, July 10, 2025
More

    ‘શરજીલ ઇમામે એક સમુદાયને બીજા વિરુદ્ધ ભડકાવ્યો… તે છે હિંસાનો માસ્ટરમાઇન્ડ…’: દિલ્હી કોર્ટે જામિયા નગરમાં થયેલા CAA-વિરોધી રમખાણોને લઈને ઘડ્યા આરોપો

    દિલ્હીની એક કોર્ટે સોમવારે (10 માર્ચ) CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન ડિસેમ્બર, 2019માં જામિયા નગરમાં થયેલા રમખાણોને લઈને શરજીલ ઇમામ (sharjeel imam) વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. કોર્ટે સ્વીકાર્યું છે કે, ઇમામના ‘ઝેરીલા’ અને ‘ભડકાઉ’ ભાષણના કારણે હિંસા ભડકી ઉઠી હતી. કોર્ટે કહ્યું કે, “ઇમામ ન માત્ર હિંસા ભડકાવનારો હતો, પરંતુ તે આ હિંસાનો ‘માસ્ટરમાઇન્ડ’ પણ હતો. તેણે એક સમુદાયને બીજા સમુદાય વિરુદ્ધ ભડકાવ્યો હતો.”

    એડિશનલ સેશન્સ જજ વિશાલ સિંઘે કહ્યું કે, ઇમામે જાણીજોઇને મુસ્લિમ સમુદાયનો ઉપયોગ કર્યો હતો અને તેમને CAAના વિરોધમાં ઘણા રાજ્યોમાં ચક્કાજામ કરીને જાહેર જીવનને બાધિત કરવા માટે ઉશ્કેર્યો હતો. ઇમામ સિવાય કોર્ટે આશુ ખાન, ચંદન કુમાર અને આસિફ ઇકબાલ તન્હા વિરુદ્ધ પણ ટોળાંનું નેતૃત્વ કરવા અને હિંસા ભડકાવવાના આરોપમાં આરોપો ઘડવા માટેનો આદેશ આપ્યો છે.

    વધુમાં ઇમામે દલીલ કરી હતી કે, તેણે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની હાકલ કરી હતી. કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે આ હિંસાને પૂર્વનિયોજિત કાવતરું પણ ગણાવ્યું હતું. રજૂ કરવામાં આવેલા પુરાવાના આધારે કોર્ટે ઇમામ વિરુદ્ધ IPCની કલમ 109 (ગુના માટેની ઉશ્કેરણી), 120 B (ગુનાહિત કાવતરું), 153 A (બે સમુદાયો વચ્ચે શત્રુતા વધારવી), 143, 147, 148, 149, 186, 535, 332, 333, 308, 427, 435, 323, 341 અને સાર્વજનિક સંપત્તિ ક્ષતિ નિવારણ અધિનિયમની કલમ 3/4 હેઠળ આરોપો ઘડવા આદેશ આપ્યો છે.

    આ કલમોમાં ગેરકાયદેસર મેળાવડો, હિંસા, સશસ્ત્ર રમખાણો, લોકસેવકો અને પોલીસ અધિકારીઓ પર હુમલો, બિનઇરાદે હત્યા, ઉન્માદ, આગચંપીના પ્રયાસ જેવા આરોપોનો સમાવેશ થાય છે. હવે આરોપો ઘડ્યા બાદ ઇમામ પર 15 ડિસેમ્બર, 2019ના રોજ બનેલી ઘટનાઓના મુખ્ય ‘માસ્ટરમાઈન્ડ’ હોવાના આરોપો પર કેસ ચલાવવામાં આવશે.