Tuesday, March 4, 2025
More

    ત્રિચી એરપોર્ટથી શારજાહ જતી ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં સર્જાઈ ખામી, 2 કલાક શહેરની ફરતે ચક્કર લગાવ્યા બાદ સુરક્ષિત લેન્ડ થયું વિમાન: તમામ યાત્રીઓ સુરક્ષિત

    ત્રિચી એરપોર્ટથી શારજાહ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ખામી સર્જાવાના કારણે બે કલાકથી વિમાન હવામાં ફરી રહ્યું હતું. પરંતુ હવે તાજા સમાચાર અનુસાર, વિમાન સુરક્ષિત લેન્ડ થઈ ગયું છે, જેના કારણે સૌએ રાહતના શ્વાસ લીધા છે. 

    વધુ માહિતી અનુસાર, ફ્લાઇટે સાંજે 5:45 વાગ્યે ત્રિચી એરપોર્ટ પરથી શારજાહ જવા માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટમાં કુલ 141 મુસાફરો હજાર હતા. ટેક ઑફની થોડી જ ક્ષણોમાં વિમાનના લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે ઈંધણ ઘટાડવા માટે શહેરની ફરતે વિમાન આંટાફેરા કરતું રહ્યું. 

    બીજી તરફ, મામલાની જાણ થતાં જ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી અને 18 ફાયર ટેન્ડરોને તહેનાત કરી દેવામાં આવ્યાં હતાં. ઉપરાંત, એરપોર્ટની બહાર એમ્બ્યુલન્સનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય પણ સતત એરપોર્ટ અધિકારીઓના સંપર્કમાં હતું. 

    આ લખાય રહ્યું છે તેની થોડી જ ક્ષણો પહેલાં વિમાન સુરક્ષિત એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યું છે. તમામ યાત્રીઓ સુરક્ષિત છે. પાયલટની સૂઝબુઝના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.