Saturday, March 22, 2025
More

    મહારાષ્ટ્ર ચૂંટણીમાં હાર મળી તો શરદ પવારને યાદ આવ્યાં EVM, આપવા માંડ્યા બીજા દેશોનાં ઉદાહરણો

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે શરદ પવારને EVM યાદ આવ્યાં છે. પરિણામમાં પાર્ટીના રકાસ બાદથી જ તેઓ અને વિપક્ષના અન્ય નેતાઓ આ બાબતે ગણગણાટ કરતા રહ્યા હતા ત્યારે રવિવારે (8 ડિસેમ્બર) એક કાર્યક્રમમાં પવારે કહ્યું કે, દુનિયાના અન્ય દેશોમાં બેલેટ પેપરથી વૉટિંગ થાય છે તો આપણે કેમ મશીનોનો ઉપયોગ કરીએ છીએ. 

    શરદ પવારે કહ્યું, “દુનિયા બેલેટ પેપરથી વૉટિંગ કરે છે, પણ આપણે કેમ EVMનો ઉપયોગ કરીએ છીએ?” વાસ્તવમાં તેઓ સોલાપુરના મર્કરવાડીમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમની પાર્ટી NCP-SPએ એક મોક પોલનું આયોજન કર્યું હતું, જેમાં લોકોને બેલેટથી મતદાન કરાવવાનું આયોજન હતું. આમ કરીને તેઓ એવું સાબિત કરવા માંગતા હતા કે NCPના ઉમેદવારને EVMમાં જેટલા મત મળ્યા, તેના કરતાં બેલેટથી વૉટિંગ કરવામાં વધુ મળ્યા. 

    જોકે, આ એકમાત્ર નાટક હોવાથી પોલીસે પરવાનગી આપી ન હતી. જેને પણ શરદ પવારે મુદ્દો બનાવ્યો અને કહ્યું કે, ગામલોકોએ મતદાન કરવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસે તેમને અટકાવ્યા હતા. 

    અહીં નોંધવું જોઈએ કે અન્ય દેશોની વસ્તી પ્રમાણે ભારતની વસ્તી ખૂબ વધારે છે અને બેલેટ કરતાં EVM એકદમ સુરક્ષિત અને વ્યવસ્થિત પ્રણાલી છે એ કોર્ટ પણ માની ચૂકી છે.