ફિલ્મ અભિનેતા સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાનને (Shah Rukh Khan) પણ ધમકી (Threat) આપવામાં આવી છે. આ મામલે મુંબઈ પોલીસે એક કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
કોલર છત્તીસગઢનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે કેસ નોંધાયા બાદ મુંબઈ પોલીસની એક ટીમ રાયપુર જવા માટે રવાના થઈ હતી.
આ મામલે મુંબઈના બાંદ્રા પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(4), 351(3)(4) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અભિનેતા સલમાન ખાનને પણ ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે અને મુંબઈ પોલીસે જુદા-જુદા કેસોમાં આરોપીઓની ધરપકડ પણ કરી હતી. તાજેતરના NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ ખુલ્યા બાદ સલમાનને ફરી ધમકી મળવાની ચાલુ થઈ હતી.
બીજી તરફ, શાહરૂખ ખાનની સુરક્ષા પણ વધુ કડક બનાવવામાં આવી છે. તેમને હાલ Y+ સુરક્ષા મળી છે.