ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. આજની મેચમાં વિરાટ કોહલી, કે.એલ.રાહુલ અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટીંગથી ભારતને ભવ્ય જીત મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર પાડ્યો છે. આજની મેચમાં કોહલીએ 98 બોલમાં 84 રન નોંધાવ્યા હતા.
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો રસાકસીભર્યો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 10 વિકેટ ગુમાવી 264 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાને જીત માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.
નોંધનીય છે કે, ભારતે અમદાવાદમાં મળેલી ODI વર્લ્ડ કપ ફાઇનલની હારનો બદલો લઈ લીધો છે. ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી છે.