તાજેતરમાં ઓડિશાના સુંદરગઢ જિલ્લામાંથી સશસ્ત્ર માઓવાદીઓએ (Maoists) વિસ્ફોટકો ભરેલો આખો ટ્રક હાઇજેક કરી લીધો હતો. ત્યારે હવે તાજેતરમાં સામે આવેલ માહિતી અનુસાર ઓડિશા પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને ઝારખંડ જગુઆર યુનિટ દ્વારા કરવામાં આવેલ ખાસ સંયુક્ત કાર્યવાહીમાં લૂંટવામાં આવેલા ચાર ટન વિસ્ફોટકોમાંથી 2.5 ટન વિસ્ફોટકો (2.5 Tones Explosive) સફળતાપૂર્વક જપ્ત કરવામાં આવ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પોલીસ મહાનિરીક્ષક (પશ્ચિમ રેન્જ) બ્રિજેશ રાયે જણાવ્યું હતું કે, શુક્રવારે ઓડિશા-ઝારખંડ સરહદ પર સુંદરગઢ જિલ્લાના કોઈડા નજીકના જંગલમાં એક સર્ચ ઑપરેશન દરમિયાન કેટલાક વિસ્ફોટક જિલેટીન સ્ટીક જપ્ત કરવામાં આવ્યા હતા.
અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “હવાઈ અને જમીની દેખરેખથી વિસ્ફોટકો છુપાવવા માટે, માઓવાદીઓએ વિસ્ફોટકોને ભૂગર્ભમાં દાટી દીધા હતા. સઘન શોધ અને ગુપ્ત માહિતીના આધારે અમને વિસ્ફોટકો જપ્ત કરવામાં મદદ મળી. બાકીના વિસ્ફોટકોને મેળવવાના પ્રયાસો ચાલુ છે.”
નોંધનીય છે કે 27 મે, 2025ના રોજ ઓડિશાના સુંદરગઢ જિલ્લાના કે બાલાંગ વિસ્તારમાં, ઓડિશા-ઝારખંડ સરહદ નજીક સરંદા જંગલમાં, 25-30 સશસ્ત્ર માઓવાદીઓએ એક ટ્રકમાંથી લગભગ ચાર ટન વિસ્ફોટકો, મુખ્યત્વે જિલેટીન સ્ટીક્સ, લૂંટી લીધા હતા. આખા ટ્રકને બંદૂકની અણીએ હાઇજેક કરીને જંગલમાં લઈ જવામાં આવ્યો હતો.