Sunday, April 13, 2025
More

    SDPIના વાહિદુર રહેમાનની ED દ્વારા ધરપકડ: અગાઉ બોમ્બ ફેંકવાના આરોપમાં જેલથી નીકળ્યો છે જામીન પર, ગુજરાતમાં પણ આ ઈસ્લામિક સંગઠનના પગરવ

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવાર, 20 માર્ચની રાત્રે કોઈમ્બતુરના મેટ્ટુપલયમમાં વાહિદુર રહેમાન નામના SDPI કાર્યકરની ધરપકડ કરી હતી. આ એ જ આરોપી છે જે ભૂતકાળમાં બોમ્બ ફોડવાના આરોપમાં જેલમાં જઈને જામીન પર બહાર આવ્યો હતો. બીજીબાજુ પ્રતિબંધિત આતંકી સંગઠન PFIની રાજકીય પાંખ કહેવાતી SDPI હવે ગુજરાતમાં પણ સક્રિય થઈ રહી હોય એમ દેખાય રહ્યું છે.

    રિપોર્ટ અનુસાર, ED અધિકારીઓની એક ટીમ રહેમાનના નિવાસસ્થાને તપાસ કરવા પહોંચી હતી. કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા અને રહેમાનની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી. રાત્રે, રહેમાનને વધુ તપાસ માટે ED અધિકારીઓ સાથે દિલ્હી મોકલવામાં આવ્યો છે. શોધખોળ દરમિયાન, SDPI અધિકારીઓ અને કાર્યકરો રહેમાનના નિવાસસ્થાનની બહાર એકઠા થયા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

    સરકાર દ્વારા PFI પર પ્રતિબંધ મૂકાયા બાદ 2022માં એક ઇમારત પર બોમ્બ ફેંકવાના આરોપમાં 28 વર્ષીય રહેમાનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં કોર્ટે તેમને શરતી જામીન પર મુક્ત કર્યા હતા.

    ગુજરાતમાં પણ દેખા દઈ રહ્યું છે SDPI

    નોંધનીય છે કે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાને (SDPI) પ્રતિબંધિત આતંકી સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની (PFI) રાજકીય પાંખ માનવામાં આવે છે. અને હવે આ જ સંગઠન ગુજરાતમાં પણ એક્ટિવ થઈ રહયું હોવાનું ધ્યાને આવી રહ્યું છે.

    તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા વસ્ત્રાલના જે તોફાનીઓને ફટકારવામાં આવ્યા હતા અને તેમના અવૈધ ઘર તોડી પાડવામાં આવ્યા હતા, તેવા જ એક આરોપીના ત્યાં આ SDPIના લોકો પહોંચ્યા હતા અને તેમની લાગણીઓનો પોતાના લાભ માટે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

    નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે SDPIનો કોઈ કાર્યકર કે કોઈ નેતા દેશવિરોધી કે આવું આતંકી કાર્ય કરતા પકડાયો હોય. આવા આરોપીઓનું લિસ્ટ લાંબુ છે. ગુજરાતના વડોદરામાં પણ આ પહેલા આ સંગઠનની પ્રતિબંધિત પાંખ PFI સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડ થઈ ચૂકી છે.