ગુજરાતની સંવેદનશીલ સરકારે (government of Gujarat) ફરી એકવાર રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અનુસાર હવે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શનિવારે દફ્તર લીધા વગર સ્કૂલ જવાનું રહેશે, એટલે કે શનિવાર ‘નો બેગ ડે’ (No Bag Day)રહેશે.
આ નિર્ણય ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ એટલે કે સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓમાં લાગુ થશે. ધોરણ 1થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને આનાથી લાભ થશે. આ દરમિયાન શનિવારે બાળકોને રમતગમત તેમજ અન્ય પ્રવૃતિઓ કરાવવામાં આવશે. આ બાબતે શિક્ષણ વિભાગે સંબંધિત અધિકારીઓને પત્ર પણ મોકલ્યો છે.

ન્યુ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 અને NCF-SE 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8ના બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાઓને આદેશ અપાયા છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમની સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસના ભારણમાંથી બહાર આવીને જીવન કૌશલ્ય અને શારીરિક કસરતો પર પણ ધ્યાન આપતા થશે.