Monday, June 23, 2025
More

    ‘સરદાર પટેલને PoK પરત જોઈતું હતું, પરંતુ તેમને રોકવામાં આવ્યા’: ગાંધીનગરમાં નામ લીધા વિના જ PM મોદીએ કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 27 મેના રોજ ગુજરાતના ગાંધીનગરમાં (Gandhinagar) એક રોડ શો દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા, જેમાં તેમણે દાવો કર્યો કે સરદાર વલ્લભભાઈ પટેલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પરત મેળવવા માગતા હતા, પરંતુ તેમને ‘કેટલાક લોકો’ દ્વારા રોકવામાં આવ્યા હતા. PM મોદીએ કોંગ્રેસનું નામ લીધા વિના જ તેના પર પ્રહાર કર્યા હતા.

    PM મોદીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે ભારતના એકીકરણ માટે 550થી વધુ રજવાડાંઓનું એકીકરણ કર્યું હતું, પરંતુ PoKનો મુદ્દો અધૂરો રહી ગયો. તેમણે કહ્યું, “જો સરદાર પટેલને રોકવામાં ન આવ્યા હોત તો આજે PoK ભારતનો હિસ્સો હોત.” વડાપ્રધાને આ માટે તત્કાલીન નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું, જેમાં તેમનો ઈશારો કોંગ્રેસ અને જવાહરલાલ નહેરુ તરફ હતો.

    પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આ આતંકવાદીઓને તે સમયે ખતમ કરી દેવામાં આવ્યા હોત, તો પરિસ્થિતિ અલગ હોત. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, “સરદાર પટેલની ઇચ્છા હતી કે આપણા સશસ્ત્રદળો પીઓકે મેળવે ત્યાં સુધી અટકે નહીં. પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં અને હવે આપણે છેલ્લા 75 વર્ષથી તેનો (આતંકવાદ) સામનો કરી રહ્યા છીએ. પહલગામ પણ તેનું એક ઉદાહરણ હતું.”

    વડાપ્રધાને કોંગ્રેસ પર ઐતિહાસિક નિર્ણયોમાં ભૂલો કરવાનો આરોપ લગાવ્યો, જેના કારણે દેશે લાંબા સમય સુધી કાશ્મીર મુદ્દે સમસ્યાઓનો સામનો કર્યો. તેમણે દાવો કર્યો કે આજે ભાજપ સરકારે આર્ટિકલ 370 હટાવીને જમ્મુ-કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડ્યું છે, જે સરદાર પટેલના સપનાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે.