Saturday, November 23, 2024
More

    મહારાષ્ટ્રમાં હાર સામી દેખાતાં સંજય રાઉતે શરૂ કરવા માંડી ‘લોકતંત્ર’ અને ‘જનાદેશ’ની વાતો, કહ્યું- આ જનતાનો નિર્ણય નહીં

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવી રહ્યાં છે, અને બીજી તરફ મહાવિકાસ આઘાડીમાં ચિંતાનો માહોલ છે. ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ઐતિહાસિક અને ભવ્ય વિજય મેળવવા તરફ આગળ છે, જ્યારે કોંગ્રેસ, ઉદ્ધવ સેના અને પવારની NCP ત્રણ પાર્ટીઓ મળીને પણ માંડ 50 બેઠકો સુધી પહોંચી શકી છે. 

    આ બધાની વચ્ચે શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા સંજય રાઉતે દર વખતની જેમ જનાદેશ માનવાના સ્થાને ગોળગોળ વાતો કરવા માંડી છે. તેમણે કહ્યું કે, અમે આ જનતાનો આદેશ છે તેવું માનવા જ તૈયાર નથી અને ભાજપે ગડબડ કરી છે. 

    રાઉતે કહ્યું કે, “મહારાષ્ટ્રની જનતાનું મન અમને ખબર છે. આ મહારાષ્ટ્રની જનતાનો નિર્ણય ન હોય શકે. હું એટલું જ કહીશ કે આ જનતાનો નિર્ણય નથી.”

    સંજય રાઉતે આગળ કહ્યું કે, “2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોદી અને શાહે એવું જ કર્યું હતું કે વિપક્ષનો નેતા ન મળવો જોઈએ. આ વખતે એ જ સ્ટ્રેટેજી મહારાષ્ટ્રમાં અમલમાં મૂકી. ગડબડ તો છે જ.” તેમણે આગળ ભાજપ ગઠબંધને પૈસા બહુ ખર્ચ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો.