Saturday, March 15, 2025
More

    ‘ક્યારેક તો સહનશીલતાનો અંત આવશે’: મહારાષ્ટ્રમાં હાર્યા બાદ હવે સંજય રાઉતને ભારતમાં પણ સીરિયા જેવી સ્થિતિ સર્જવાના અભરખા જાગ્યા

    શિવસેના (ઉદ્ધવ જૂથ) સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) તાજેતરમાં અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની ફજેતી થાય એવી સ્થિતિ થયા બાદ સંજય રાઉત સતત અટપટાં નિવેદનો આપી રહ્યા છે, અને એ જ ક્રમમાં તાજેતરમાં તેમણે એમ કહ્યું કે, ભારતમાં પણ સીરિયા જેવી સ્થિતિ ઉદ્ભવશે. 

    લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા વેબસાઈટ ‘ધ વાયર’ સાથેની વાતચીતમાં રાઉતે આ વાત કહી હતી, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ પર લોકો ટીકા કરી રહ્યા છે. 

    રાઉત કહે છે કે, “લોકતંત્રની હત્યા કરવામાં આવતી હોય તો તમે કઈ રીતે કહી શકો કે અમારી (વિપક્ષની) ભૂલ છે? દેશના વડાપ્રધાનને પૂછવામાં આવવું જોઈએ કે શું દેશમાં લોકતંત્રના નામે આ બધું ચાલશે? જનતા કેટલા દિવસ ચલાવશે? ક્યારેક ને ક્યારેક તો સહનશીલતાનો અંત આવશે અને જે રીતે સીરિયામાં ત્યાંના રાષ્ટ્રપતિને લોકોએ ભગાવ્યા, ક્યારેક ને ક્યારેક આ દેશમાં પણ ક્રાંતિ થઈ શકે છે.”

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ)નો રકાસ થયા બાદ સંજય રાઉતનું આ નિવેદન જણાવે છે કે વિપક્ષ કઈ હાલતમાં પહોંચી ગયો છે.