સંભલની જામા મસ્જિદ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ઝફર અલીની (Zafar Ali) મુશ્કેલીઓ વધી રહી છે. તેમની જામીન સુનાવણી (Bail Hearing) ફરી એકવાર મુલતવી રાખવામાં આવી હતી. વધુમાં, તેમના પુત્ર સહિતના લોકો પર કડક વહીવટી નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.
અહેવાલ અનુસાર 2 એપ્રિલની સુનાવણીના રોજ સંભલ પોલીસ કોર્ટમાં મહત્વપૂર્ણ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતાં અલીની જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. આ જ મુદ્દાને કારણે 27 માર્ચે પણ સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.
હવે કોર્ટે પોલીસને બે દિવસનો વધારાનો સમય આપ્યો, આગામી સુનાવણી 4 એપ્રિલના રોજ નક્કી કરી હતી. ગત વર્ષે નવેમ્બરમાં સંભલ હિંસાના સંબંધમાં 23 માર્ચે ધરપકડ કરાયેલ અલી હજુ પણ મુરાદાબાદ જેલમાં બંધ છે.
અલીના વકીલોએ કોર્ટમાં તેમને વચગાળાના જામીન આપવા માટે કારણ રજૂ કર્યું હતું કે તેઓ જામા મસ્જિદ સમિતિના પ્રમુખ અને વકીલ છે. જોકે, કોર્ટે આ માંગણી ફગાવી દીધી હતી. ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે અલી સામેના આરોપો ગંભીર છે અને તેના પરિણામે મૃત્યુદંડ થઈ શકે છે. તેથી તેને જામીન ન આપવા જોઈએ.
આ ઉપરાંત વહીવટીતંત્રે તેના ઘણા સંબંધીઓ પર BNSની કલમ 130 હેઠળ પ્રતિબંધો લાદ્યા છે, જેમાં અલીના વકીલ ભાઈ તાહિર અલી, તેનો પુત્ર હૈદર, તેના ભત્રીજા દાનિશ અને નદીશ અને કમર હુસૈનનો સમાવેશ થાય છે.
આ લોકો વિરુદ્ધ શાંતિને ખલેલ પહોંચાડવા અથવા જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવા બદલ BNSSની કલમ 130 અને 126 હેઠળ FIR નોંધવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અલીના પુત્ર હૈદર અલી, ભાઈઓ તાહિર અલી અને કમર હસન, અને ભત્રીજાઓ મોહમ્મદ દાનિશ અને મોહમ્મદ મુજીબ વિરુદ્ધ FIR નોંધાઈ છે.
શાંતિ ભંગના કોઈપણ મૌખિક કે શારીરિક કૃત્યોમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળશે તો તેમણે કોર્ટને 1-1 લાખ ચૂકવવા બનશે.