24 નવેમ્બરના રોજ સંભલમાં થયેલી ઇસ્લામી હિંસા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને એક પછી એક ઉપદ્રવીઓને પકડવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 49 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે કુલ 91ની ઓળખ કરવામાં આવી ચૂકી છે. જેમાંથી ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે.
રિપોર્ટ અનુસાર, હિંસા બાદથી જ મસ્જિદની આસપાસનાં ઘરોમાં તાળાં લાગી ગયાં હતાં. જેમાંથી અમુક હજુ પણ બંધ છે. પોલીસ આ ઘરો વિશે તપાસ કરી રહી છે. પોલીસ એ જાણી રહી છે કે આ ઘરોમાં કોણ રહે છે, કેટલા સભ્યો છે અને તેમાં પુરુષ, મહિલા અને બાળકોની સંખ્યા કેટલી છે. ઉપરાંત, હિંસાવાળા દિવસે તેમાંથી કોણ-કોણ ઘરમાં હાજર હતું- વગેરે જેવી માહિતી મેળવવામાં આવી રહી છે.
પોલીસ આ મામલે સ્થાનિકોની પણ મદદ લઈ રહી છે. વિભાગનું કહેવું છે કે હિંસામાં જેટલા ઉપદ્રવીઓ સામેલ હતા એ તમામને ચિહ્નિત કરીને જેલના સળિયા ગણતા કરવામાં આવશે. આ માટે જુદી-જુદી ટીમો બનાવીને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.