ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સરવે દરમિયાન થયેલી ઇસ્લામી હિંસા મામલે અનેક કેસ દાખલ થયા બાદ એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે તાજેતરમાં શાહબાઝ નામના એક ઈસમની દિલ્હીથી ધરપકડ કરી લીધી.
આરોપી પાસેથી એક તમંચો અને કારતૂસ મળી આવ્યા છે. તેની ઉપર આરોપ છે કે તેણે એક મકાનની છત પરથી સંભલ જિલ્લા પોલીસ વડા કૃષ્ણકુમાર બિશ્નોઈ પર ગોળી ચલાવી હતી. જોકે, SP સદભાગ્યે બચી ગયા હતા પરંતુ આ જ ગોળીથી તેમની નજીક ઉભેલા એક PROને ઈજા પહોંચી હતી.
હિંસા બાદથી જ શાહબાઝ ફરાર હતો અને સંભલ પોલીસ તેને ઠેકઠેકાણે શોધી રહી હતી. તાજેતરમાં તેનું ઠેકાણું દિલ્હીના લક્ષ્મીનગર અને જહાંગીરપુરી આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સતત ટ્રેકિંગ કર્યા બાદ શુક્રવારે (3 જાન્યુઆરી) તેની ધરપકડ કરી લીધી.
ઉલ્લેખનીય છે કે ગત 24 નવેમ્બરના રોજ સંભલમાં હિંસા થઈ હતી, જેમાં મુસ્લિમ ટોળાંએ પોલીસ અને અધિકારીઓ પર પથ્થર ફેંક્યા હતા અને અમુક વાહનો પણ ફૂંકી માર્યાં હતાં.