સંભલ હિંસાના (Sambhal Violence) આરોપી અને જામા મસ્જિદના સદર ઝફર અલીની જામીન અરજી ADJ કોર્ટે ફગાવી દીધી છે. ઝફરની 23 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારપછી તેણે વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી. આ મામલે 2 એપ્રિલે આગામી સુનાવણી થશે.
જામા મસ્જિદના સદર ઝફર અલી પર આરોપ છે કે, તેણે મુસ્લિમ ટોળાંને ભડકાવ્યું હતું. ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે ઝફર અલી સામે આરોપ છે કે તેણે લોકોને ઉશ્કેરીને ગેરકાયદે ભીડ ભેગી કરી, રમખાણો ભડકાવ્યા, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને પોલીસ વાહનો સળગાવી નખાવ્યા. આ ઉપરાંત, તેના પર ખોટા તથ્યો ઘડવાનો પણ આરોપ છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે અને જેના માટે મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે.
નોંધનીય છે કે, 24 નવેમ્બરે સંભલની જામા મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન ઇસ્લામી ટોળાએ હિંસા આચરી હતી જેમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. આ મામલે હિંસાના 4 મહિના પછી એટલે કે 23 માર્ચે મસ્જિદના સદર અને વકીલ ઝફર અલીની રાત્રે 9 વાગે ધરપકડ કરવામાં આવી હતી.

તેને મોરાદાબાદ જેલમાં મોકલવામાં આવ્યો છે. ઝફરે દાવા કર્યા હતા કે, તેણે પોલીસ અધિકારીઓની પોલ ખોલી એટલે તેને ફસાવવામાં આવ્યો છે. તેણે કહ્યું હતું કે, સંભલ હિંસામાં જે લોકોએ જીવ ગુમાવ્યો તેમને પોલીસે મારી નાખ્યા હતા. જોકે, વાસ્તવિકતામાં એવા પુરાવા સામે આવ્યા હતા કે, ઇસ્લામી ટોળાએ પોલીસકર્મીઓને જીવતા સળગાવી નાખવાના કાવતરા ઘડ્યા હતા.
24 માર્ચે સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને 27 માર્ચ સુધીમાં કેસ ડાયરી દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. 27 માર્ચે પોલીસ કેસ ડાયરી દાખલ કરી શકી નહીં. તેથી કોર્ટે ઝફરની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી અને કાયમી જામીનની સુનાવણી માટે 2 એપ્રિલની તારીખ નક્કી કરી હતી.