Thursday, April 24, 2025
More

    ‘ઇન્ડિયન સ્ટેટ સામે લડાઈ’વાળા નિવેદન મામલે ચાલતા કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંભલ કોર્ટનું સમન્સ

    સંભલ જિલ્લા ન્યાયાધીશ કોર્ટે (Sambhal Court) 20 માર્ચે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને નોટિસ જારી કરી છે. આ નોટિસ રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદન, ‘અમારી લડાઈ ફક્ત ભાજપ કે RSS સામે જ નહીં પણ ભારતીય રાજ્ય સામે છે’ અંગેની ફરિયાદના સંદર્ભમાં છે. કોર્ટે રાહુલ ગાંધીને 4 એપ્રિલે જવાબ આપવા અથવા હાજર રહેવા માટે નોટિસ (Summons) જારી કરી છે.

    ANI સાથે વાત કરતા, એડવોકેટ સચિન ગોયલે જણાવ્યું હતું કે “લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 15 જાન્યુઆરી, 2025ના રોજ નિવેદન આપ્યું હતું કે ‘અમે હવે ભાજપ, RSS અને ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ’.”

    વકીલે જણાવ્યા અનુસાર સિમરન ગુપ્તાએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવા માટે ખાસ સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. CJMએ અધિકારક્ષેત્રના અભાવના આધારે તેને રદ કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, “અમે તે આદેશ સામે રિવિઝન અરજી દાખલ કરી હતી અને સંભલની જિલ્લા ન્યાયાધીશ કોર્ટે રાહુલ ગાંધીને 4 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ જારી કર્યું હતું.”

    નોંધનીય છે કે 15 જાન્યુઆરીએ રાહુલ ગાંધીએ પાર્ટીના નવા મુખ્યાલય ‘ઇન્દિરા ભવન’નું ઉદ્ઘાટન કરતી વખતે ભાજપ પર હુમલો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ‘કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો માત્ર ભાજપ જ નહીં પરંતુ ભારતીય રાજ્ય સામે પણ લડી રહ્યા છે.’