Tuesday, March 18, 2025
More

    સંભલના સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કને ત્રીજી વખત નોટિસ, નકશો પાસ કરાવ્યા વગર મકાન બનાવવાનો મામલો: હવે જવાબ ન મળે તો ફરી શકે બુલડોઝર

    ઉત્તર પ્રદેશના સંભલના સમાજવાદી પાર્ટી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કને પ્રશાસને ફરી એક વખત નોટિસ મોકલી છે. આ નોટિસ તેમના મકાનનિર્માણને લઈને મોકલવામાં આવી છે. આરોપ છે કે સાંસદે નકશો પાસ કરાવ્યા વગર જ મકાનનું નિર્માણ શરૂ કરી દીધું હતું. 

    આ પહેલાં પ્રશાસન બર્કને 2 નોટિસ આપી ચૂક્યું છે, જેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. હવે ત્રીજી અને અંતિમ વખત નોટિસ મોકલીને ખુલાસો માંગવામાં આવ્યો છે. મીડિયા અહેવાલોમાં અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, હવે જો કોઈ જવાબ ન મળે કે સંતોષકારક કાર્યવાહી ન થાય તો પ્રશાસન પોતાની રીતે આગળની કાર્યવાહી શરૂ કરી દેશે. 

    જે રીતે UP સરકાર અને સંભલ પ્રશાસન કડક હાથે કામ લઈ રહ્યાં છે તેને જોતાં બર્કના ગેરકાયદેસર નિર્માણ પર બુલડોઝર પણ ચલાવવામાં આવી શકે છે. 

    ઝિયાઉર રહેમાન બર્કનું નામ સંભલ હિંસામાં પણ સામે આવ્યું હતું. ત્યારબાદ તેમને વીજચોરી બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. પછીથી સામે આવ્યું હતું કે તેમણે નકશો પાસ કરાવ્યા વગર જ ઘરનું નિર્માણ કર્યું છે. ત્યારબાદ 5 ડિસેમ્બરના રોજ નોટિસ મોકલાઈ હતી. ત્યારબાદ જવાબ ન મળતાં વધુ એક નોટિસ મોકલવામાં આવી. સાંસદે પછીથી મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ પ્રશાસને ત્રીજી નોટિસ પણ મોકલી આપી છે.