Tuesday, April 15, 2025
More

    ‘જો મુસ્લિમોમાં બાબરનું DNA, તો તામારામાં કોનું?’: રાણા સાંગા પર અપમાનજનક ટિપ્પણી કરનાર સપા સાસંદે ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન

    ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના (Ramji Lal Suman) કારણે રાજકારણ ગરમાયેલું છે. હજી તો તેમણે રાણા સાંગા (Rana Sanga) પર આપેલ નિવેદનની આગ ઠંડી નથી પડી ત્યાં તો તેમણે બીજું એક વિવાદિત નિવેદન આપી દીધું છે. રાણા સાંગા પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ કરણી સેના સુમનનો વિરોધ કરી રહી છે.

    આ દરમિયાન જ આંબેડકર જયંતિ નિમિત્તે આગ્રાના એસપી કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં રામજી લાલ સુમને કહ્યું કે, “જૂની વાતો ન ઉખાડો. તમે કહો છો કે દરેક મસ્જિદની નીચે એક મંદિર છે, તો અમારે કહેવું પડશે કે દરેક મંદિરની નીચે એક બૌદ્ધ મઠ છે.”

    તેમણે એમ પણ કહ્યું, “જો તમે કહો છો કે મુસ્લિમોમાં બાબરનો DNA છે, તો તમારામાં કોનું DNA છે? મને એ પણ જણાવો.” આ દરમિયાન તેમણે કરણી સેના પર નિશાન સાધતા કહ્યું કે, “અમે ત્રણ સેના વિશે સાંભળ્યું હતું –  વાયુસેના, થલસેના અને નૌસેના. હવે આ નવી સેના આપણી વચ્ચે ઉભરી આવી છે.”

    સપા સાંસદે કહ્યું, “ચીને આપણી જમીન પર કબજો કરી લીધો છે. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ બતાવે છે. કરણી સેનાના યોદ્ધાઓએ ભારતની સરહદ પર જવું જોઈએ અને આપણને ચીનથી બચાવવા જોઈએ.”

    તેમણે કહ્યું કે, “આ લડાઈ એમની સાથે છે જે મુસ્લિમોને બાબરની ઓલાદ કહે છે.” તેમણે આગળ કહ્યું, “સપા પ્રમુખ અખિલેશ યાદવ 19 એપ્રિલે આગ્રા આવી રહ્યા છે. હું તે લોકોને (કરણી સેના) કહેવા માંગુ છું કે મેદાન તૈયાર છે, કરી લઈએ બે-બે હાથ.”