Thursday, March 20, 2025
More

    ‘ભાજપ હિંદુ આતંકવાદી સંગઠન’: સપા નેતાએ આપ્યું વિવાદિત નિવેદન, વિરોધ થતાં ફેરવી તોળ્યું, કહ્યું- વિડીયો એડિટેડ, મેં આવું નથી કહ્યું

    ઉત્તર પ્રદેશના બારાબંકીમાં (UP Barabanki) સદર વિધાનસભા બેઠકના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુરેશ યાદવે (SP MLA Suresh Yadav) ભાજપને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે ભાજપને ‘હિંદુ આતંકવાદી સંગઠન’ ગણાવી દીધો. આ નિવેદન તેમણે તેમના જ શહેરના ગન્ના વિસ્તારમાં અમિત શાહના વિરોધ માટે કરવા આયોજિત સભામાં આપ્યું હતું. નિવેદનનો આકરો વિરોધ થતાં પછીથી ફેરવી તોળ્યું હતું.

    તેમણે ભાજપ વિશે આપત્તિજનક શબ્દો વાપરતાં કહ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી એક હિંદુ આતંકવાદી સંગઠન છે. તે દેશને સંપૂર્ણપણે બરબાદ કરવા માંગે છે. અમારા મહાપુરુષો વિશે આવી વાતો કરશે, સમાજવાદી ચૂપ નહીં બેસે.” તેમણે કહેલી આ વાત એક વિડીયોમાં કેદ થઈ ગઈ હતી અને જોતજોતામાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.

    વિડીયો વાયરલ થયા બાદ અખિલેશ યાદવના ધારાસભ્યએ સાવ ફેરવી તોળ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમનો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે તદ્દન ખોટો છે. તેમના કહેવા મુજબ તેમણે ભાજપ વિશે આવી કોઈ જ વાત નથી કરી અને આ વિડીયો બનાવટી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વિડીયો એડિટ કરીને તેમના વિરુદ્ધ કાવતરું રચી તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે.

    આ સમગ્ર ઘટનાક્રમમાં ભાજપ સમાજવાદી પાર્ટી પર આકરા પાણીએ જોવા મળ્યો હતો. પક્ષો આ કૃત્ય બદલ ધારાસભ્યને માફી માંગવા કહ્યું હતું.