Wednesday, December 25, 2024
More

    સલમાન રશ્દીના પુસ્તક ‘ધ સેટાનિક વર્સીસ’નું વેચાણ 36 વર્ષ બાદ શરૂ, 1988માં રાજીવ સરકારે લગાવી દીધો હતો પ્રતિબંધ

    ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી લિખિત પુસ્તક ‘ધ સેટાનિક વર્સીસ’ આખરે ત્રણ દાયકા બાદ ભારતમાં ફરી વેચાવાનું શરૂ થયું છે. રાજીવ ગાંધીની સરકારે આ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દેવાની ઘોષણા કરી હતી, ત્યારથી ભારતમાં તેનું વેચાણ બંધ હતું. 

    પુસ્તક દિલ્હીના બુકસ્ટોરમાં વેચવાનું શરૂ થઈ ગયું છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પુસ્તકની કિંમત ₹1999 છે. 

    ઉલ્લેખનીય છે કે સલમાન રશ્દી લિખિત આ પુસ્તક પર 1988માં રાજીવ ગાંધી સરકાર દ્વારા પ્રતિબંધિત ઘોષિત કરવામાં આવ્યો હતો. કારણ એ હતું કે અમુક કટ્ટરપંથી મુસ્લિમ સંગઠનો પુસ્તક પર ઈશનિંદાનો આરોપ લગાવીને રશ્દી સામે પડ્યા હતા. ત્યારબાદ રાજીવ સરકારે અમુક મુસ્લિમ સંગઠનોની માંગ માનીને પુસ્તક પર બૅન લગાવી દીધો હતો. 

    તાજેતરમાં એક વ્યક્તિએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને આ આદેશને પડકાર્યો હતો. જેની ઉપર સુનાવણી કરતી વખતે કોર્ટે કેન્દ્ર સરકારના વિભાગ પાસે પુસ્તક પર પ્રતિબંધ મૂકતા આદેશની નકલ મંગાવી હતી. પરંતુ વિભાગ એ નકલ જ પૂરી પાડી ન શક્યો અને ઉપલબ્ધ ન હોવાનું જણાવવામાં આવ્યું. 

    કોર્ટે સરકારી વિભાગ પાસે જે-તે પ્રતિબંધને સૂચિત કરતું નોટિફિકેશન મંગાવ્યું હતું, પરંતુ રજૂ કરી ન શકતાં કોર્ટે એમ કહીને કેસ બંધ કરી દીધો કે જો નોટિફિકેશન ક્યાંય ન મળતું હોય તો એવું માની લેવામાં આવે કે તે ઇસ્યુ જ થયું ન હતું અને અરજદાર પુસ્તક મંગાવી શકે છે. એક રીતે પુસ્તક પરથી ભારતમાં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.