ભારતમાં જન્મેલા બ્રિટિશ અને અમેરિકન લેખક સલમાન રશ્દી પર છરાથી હુમલો કરીને એક આંખ પર ઈજા પહોંચાડનારા હાદી મતારને ન્યૂયોર્કની જ્યુરી દ્વારા હત્યાના પ્રયાસનો દોષી ઠેરવવામાં આવ્યો છે. દોષિત હાદી મતારને 25 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે તેવી સંભાવના છે.
સલમાન રશ્દી પર 12 ઑગસ્ટ, 2022ના રોજ ચૌટાઉક્વા ઇન્સ્ટીટ્યુશનમાં એક નિર્ધારિત કાર્યક્રમ પહેલાં હુમલો કરવામાં આવ્યો હતો. હાદી મતાર ચહેરા પર માસ્ક લગાવીને મંચ પર ચડી ગયો હતો અને રશ્દીના ભાષણ પહેલાં જ છરાથી હુમલો કરી દીધો હતો. હુમલામાં રશ્દીના ગળા પર, પેટ પર, જમણી આંખ, જાંઘ અને છાતીમાં છરાના ઘા વાગ્યા હતા.
ન્યૂયોર્કના મેવિલે સ્થિત કોર્ટમાં જ્યુરી સભ્યોએ 2 કલાકથી પણ ઓછા સમય સુધી વિચાર-વિમર્શ કર્યા બાદ આરોપીને દોષી જાહેર કરી દીધો હતો. આ સાથે જ હાદી કોર્ટમાંથી બહાર નીકળી વખતે ધીરેથી ‘ફ્રી પેલેસ્ટાઇન’ પણ બોલ્યો હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન ઈરાની સુપ્રીમ લીડર અયાતુલ્લા ખુમૈનીએ 1988માં સલમાન રશ્દીની નવલકથા ‘ધ સેટેનિક વર્સીસ’ માટે ફતવો જાહેર કર્યો હતો. જોકે, હાદીએ એ વાતની પુષ્ટિ કે ખંડન કરવાનો ઇનકાર કર્યો હતો કે, તેણે ફતવાના કારણે રશ્દી પર હુમલો કર્યો હતો કે કેમ.