અભિનેતા સલમાન ખાનને ફરી ધમકી આપવામાં આવી છે. આ ધમકી પણ કથિત રીતે લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જ મળી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કાં તો સલમાન ₹5 કરોડ આપે અથવા તો મંદિરે જઈને માફી માંગી લે.
આ મેસેજ પણ મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ યુનિટ પર જ આવ્યો હતો. જેમાં એક ઇસમે પોતે લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો માણસ હોવાનો દાવો કરીને કહ્યું હતું કે જો સલમાન ખાન તેમની માંગો નહીં સ્વીકારે તો તેમની હત્યા કરી નાખવામાં આવશે.
મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે, “જો સલમાન ખાને જીવિત રહેવું હોય તો તેમણે અમારા મંદિરે (બિશ્નોઈ સમુદાયના) જઈને માફી માંગવી પડશે અથવા ₹5 કરોડ રોકડા આપવા પડશે. જો તેઓ તેમ નહીં કરે તો અમે તેમને મારી નાખીશું. અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.”
પોલીસે કહ્યું છે કે, તેઓ આ મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યો તેની તપાસ કરી રહ્યા છે, ઉપરાંત એ પણ જાણવાના પ્રયાસ કરી રહી છે કે આ મેસેજની લૉરેન્સ બિશ્નોઈ સાથે કોઈ લિન્ક છે કે કેમ.