અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારે ₹2 કરોડ માંગીને કહ્યું છે કે જો ખંડણી આપવામાં નહીં આવે તો સલમાન ખાનને મારી નાખવામાં આવશે.
આ ધમકીભર્યો મેસેજ મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને મળ્યો હતો. જે મામલે વરલી પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 354(2) અને 308(4) હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નોંધવું જોઈએ કે થોડા દિવસ પહેલાં પણ સલમાન ખાનને એક ધમકી મળી હતી અને આ મેસેજ પણ મુંબઈ પોલીસ ટ્રાફિક કંટ્રોલને જ મળ્યો હતો. જેમાં ₹5 કરોડ માંગવામાં આવ્યા હતા. તે પહેલાં પણ અભિનેતાને ધમકીઓ મળી ચૂકી છે.
તાજેતરમાં જ પોલીસે ઉત્તર પ્રદેશના નોઈડાથી એક ગુરફાન ખાન નામના 20 વર્ષીય ઇસમની ધરપકડ કરી હતી. તેણે સલમાન ખાન અને તાજેતરમાં જ જેમની હત્યા થઈ એ બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને મારી નાખવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસ તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને મુંબઈ લાવી હતી.
તે પહેલાં પોલીસે જમશેદપુરથી એક શેખ હુસૈન નામના ઈસમની ધરપકડ કરી હતી, જેણે સલમાન ખાનને ધમકી આપી હતી.