Monday, March 17, 2025
More

    સૈફ અલી ખાન પર હુમલો કરનારને શોધવા માટે મુંબઈ પોલીસે કામે લગાડી 30 ટીમો, સામે આવ્યા નવા CCTV ફૂટેજ

    અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શખ્સ હજુ પણ ફરાર છે અને મુંબઈ પોલીસની લગભગ 30 જેટલી ટીમો શહેરમાં ફરીને તેને શોધી રહી છે. બીજી તરફ, તેના વધુ CCTV ફૂટેજ સામે આવ્યા છે. 

    નવા ફૂટેજમાં હુમલો કરનાર પીળા શર્ટમાં જોવા મળે છે. આ કપડાં હુમલા સમયના પહેરવેશ કરતાં અલગ છે. એટલે આ દ્રશ્યો હુમલા પહેલાના છે અને પછીના એ હજુ સુધી જાણી શકાયું નથી. તાજી જાણકારી અનુસાર આરોપી છેલ્લે બાંદ્રામાં જોવા મળ્યો હતો. 

    મુંબઈ પોલીસ આ કેસમાં એકાદ-બેને પકડીને પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ તેમને કેસ સાથે હજુ સુધી કશું લાગતું-વળગતું ન હોવાનું જાણવા મળ્યું છે. જે આરોપી છે તે હજુ સુધી પકડાયો નથી. 

    તપાસમાં મુંબઈ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ યુનિટ અને ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટને કામે લગાડવામાં આવ્યાં છે. તાજેતરમાં પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, પોલીસ પાસે હવે ઘણા પુરાવાઓ આવી ગયા છે અને વહેલી તકે આરોપીને ઝડપી લેવામાં આવશે.