Thursday, June 19, 2025
More

    રામજન્મભૂમિ આંદોલનમાં અદમ્ય યોગદાન આપનાર સાધ્વી ઋતંભરાને પદ્મભૂષણ સન્માન: વિશ્વમાં સનાતનનો પ્રચાર કરનારા બ્રાઝિલના જોનાસ માસેટ્ટીને પણ મળ્યું પદ્મશ્રી

    રામજન્મભૂમિ આંદોલનમાં પોતાનું અદમ્ય યોગદાન આપનારા સાધ્વી ઋતંભરાને (Sadhvi Ritambhara) 27 મે 2025ના રોજ દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન સાથે નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં સાધ્વી ઋતંભરાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પદ્મભૂષણ (Padma Bhushan) સન્માન એનાયત કર્યું હતું.

    નોંધનીય છે કે સાધ્વી ઋતંભરાનું જીવન સેવા, કરુણા અને આધ્યાત્મિકતાનું જીવંત ઉદાહરણ છે. 1964માં પંજાબના લુધિયાણામાં જન્મેલા સાધ્વી ઋતંભરાએ નાની ઉંમરે સન્યાસ અંગીકાર કરીને હિંદુ ધર્મ અને સામાજિક સેવાને પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમણે 1992માં પરમ શક્તિપીઠની સ્થાપના કરી અને 1997માં વૃંદાવનમાં વાત્સલ્ય ગ્રામની શરૂઆત કરી, જે અનાથ બાળકો, વિધવાઓ અને વૃદ્ધ મહિલાઓને આશ્રય, શિક્ષણ અને આત્મનિર્ભરતા માટે તાલીમ પૂરી પાડે છે.

    જાન્યુઆરી 2025માં સરકારે સાધ્વી ઋતંભરા સાથે સામાજ સેવા, કળા, મેડીકલ, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનારા કુલ 19 લોકોના નામ આ સન્માન માટે જાહેર કર્યા હતા. આ ઉપરાંત ગુજરાતી ગઝલને વિશિષ્ટ ઓળખ અપાવનાર ગાયક પંકજ ઉધાસને પણ મરણોપરાંત પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું.

    આ સિવાય બ્રાઝિલના જોનાસ માસેટ્ટીને પણ વેદ અને શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનને સમગ્ર વિશ્વમાં ફેલાવવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેઓ એક સમયે મિકેનિકલ એન્જિનિયર હતા, પરંતુ  હવે તેઓ ભારતીય આધ્યાત્મિકતાથી ખૂબ પ્રભાવિત છે અને વિશ્વમાં સનાતન સંસ્કૃતિને પહોંચાડી રહ્યા છે. આ સાથે જ કુલ 3 લોકોને પદ્મવિભૂષણ, 9 લોકોને પદ્મભૂષણ અને 56 લોકોને પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું છે.