Sunday, November 3, 2024
More

    ‘આ બહુપક્ષીય બેઠક, ભારત-પાકિસ્તાનના સંબંધોની કોઈ વાતચીત નહીં થાય’: SCO સમિટ પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરની સ્પષ્ટ વાત

    વિદેશ મંત્રી એસ જયશંકર આ મહિને પાકિસ્તાનમાં યોજાનારી SCO સમિટમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદની મુલાકાતે જશે. પરંતુ તે પહેલાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત નહીં થાય અને માત્ર એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પોતે જઈ રહ્યા છે. 

    શનિવારે (5 ઑક્ટોબર) મીડિયાના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે, “હું ત્યાં જઈ રહ્યો છું. પરંતુ આ એક બહુપક્ષીય બેઠક હશે. હું એક SCOના સભ્ય તરીકે ત્યાં જઈ રહ્યો છું.” 

    પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય વાતચીતની સંભાવનાઓ સદંતર નકારી દેતાં તેમણે કહ્યું, “આ મુલાકાત એક બહુપક્ષીય બેઠક માટે છે. હું ત્યાં ભારત-પાકિસ્તાનના સંબંધો વિશે વાતચીત કરવા માટે નથી જઈ રહ્યો.” તેમણે વ્યંગ્ય કરતાં કહ્યું હતું કે, “હું ત્યાં SCOના સભ્ય તરીકે જઈ રહ્યો છું, પરંતુ હું એક વિવેકી અને સભ્ય વ્યક્તિ છું, એટલે એ પ્રમાણે વર્તન કરીશ.”

    વિદેશ મંત્રીએ પ્રવાસને લઈને કહ્યું કે, “સમાન્ય રીતે આ પ્રકારની ઉચ્ચસ્તરીય બેઠકોમાં વડાપ્રધાન જતા હોય છે, પરંતુ મંત્રીઓને પણ તક આપવામાં આવે છે. એટલે આ પરંપરાને અનુરૂપ જ છે. પાકિસ્તાનમાં બેઠક થઈ રહી છે એ પણ તદ્દન સ્વભાવિક છે, કારણ કે આપણી જેમ તેઓ પણ SCOના સભ્ય છે.