Monday, March 10, 2025
More

    ‘ભારતે વિશ્વસ્તરે છાપ છોડી છે’: ગણતંત્ર દિવસ પર રશિયન રાષ્ટ્રપતિ પુતિને આપી શુભકામનાઓ, દેશના વિકાસની કરી પ્રશંસા

    રશિયા અને ભારત વચ્ચેની મિત્રતા જગજાહેર છે, ત્યારે દેશના 76મા ગણતંત્ર દિવસને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને શુભકામનાઓ પાઠવીને ભારતના વખાણ કર્યા હતા. તેમણે ભારત સાથેના સંબંધો વધુ મજબુત થશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, રશિયા અને ભારત વચ્ચેના સંબંધ વિશેષ રણનૈતિક ભાગીદારી પર આધારિત છે.

    પ્રેસિડેન્ટ પુતિને આશા વ્યક્ત કરતા કહ્યું છે કે,ભારત અને રશિયા સાથે મળીને દ્વિપક્ષી સંબંધોને વધુ મજબુત બનાવવા માટે પ્રયત્ન કરતા રહેશે. આમ કરવાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે અને બંનેને તેનો લાભ મળશે. તેમણે ભારત અને રશિયાના સંબંધોને વિશેષ ગણાવ્યા હતા. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આપણા મૂળભૂત હિત પૂર્ણ કરશે અને તે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને અનુરૂપ હશે.

    ઉલ્લેખનીય છે કે, પ્રેસિડેન્ટ પુતિનનો આ સંદેશ ભારતના 76મા ગણતંત્ર દિવસને લઈને આવ્યો હતો. તેમણે આ ઉપલક્ષમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું હતું કે, 75 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલા ભારતના બંધારણે ભારતના લોકતંત્રનો પાયો નાખ્યો હતો. ત્યારથી જ ભારતે સામાજિક, આર્થીક, વૈજ્ઞાનિક, ટેકનિકલ અને અન્ય ક્ષેત્રોમાં સાર્વભૌમિક સફળતા મેળવી છે અને વિશ્વસ્તરે પોતાની છાપ છોડી છે.

    નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ પુતિન હંમેશા ભારતના પ્રશંસક રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં જ ભારત પ્રવાસે આવનાર છે. જોકે, તેની તારીખો અને કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત હજુ સુધી નથી થઈ. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ બહુ જલદી ભારત આવશે. બીજી તરફ ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે ગયા હતા. તેમણે મોસ્કોમાં 22મા રશિયા-ઇન્ડીયા સમિટમાં ભાગ લીધો હતો. ત્યારે હવે થોડા સમય બાદ રાષ્ટ્રપતિ પુતિન પણ ભારત આવશે અને મહેમાનગતી માણશે.