Wednesday, December 4, 2024
More

    કાશ્મીર વિધાનસભામાં બબાલ: એન્જિનિયર રાશિદના ભાઈએ આર્ટિકલ 370 પર બેનર દર્શાવતાં ધારાસભ્યો બાખડ્યા

    જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) વિધાનસભાનું હાલ સત્ર ચાલી રહ્યું છે. દરમ્યાન, ગુરુવારે (7 નવેમ્બર) ફરી ગૃહમાં અફરાતફરી મચી ગઈ. આ હોબાળો પણ આર્ટિકલ 370 પરના પ્રસ્તાવને લઈને જ થયો. 

    વાસ્તવમાં, વિધાનસભા ગૃહમાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે સાંસદ એન્જિનિયર રાશિદના ભાઈ અને આવાઈ ઇત્તેહાદ પાર્ટીના MLA ખુર્શીદ અહમદ શેખે આર્ટિકલ 370ને પરત લાવવાની માંગ કરતું બેનર બતાવ્યું હતું, જેની ઉપર પછીથી ભાજપના ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. 

    આર્ટિકલ 370 પર બેનર દર્શાવવાનો ભાજપ નેતા અને વિધાનસભામાં વિપક્ષ નેતા સુનિલ શર્માએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગૃહમાં થોડી ક્ષણો માટે અફરાતફરી મચી ગઈ અને ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. 

    મામલો બિચકતાં માર્શલોને બોલાવવા પડ્યા હતા, જેમણે હોબાળો મચાવતા અમુક ધારાસભ્યોને બહાર મોકલી દીધા હતા. ત્યારબાદ ગૃહની કાર્યવાહી થોડી મિનિટો માટે સ્થગિત કરી દેવામાં આવી. માહોલ શાંત થયા બાદ ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 

    નોંધવું જોઈએ કે સોમવારે સત્ર શરૂ થયાના પહેલા જ દિવસે મહેબૂબા મુફ્તીની પાર્ટી PDPના એક MLAએ કાશ્મીરમાં આર્ટિકલ 37૦ પુનઃસ્થાપિત કરવા માટેની માંગ સાથે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેનો પછીથી ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પણ કર્યો હતો.