Friday, March 14, 2025
More

    ‘જાતિ-ભાષા કા ભેદ કરેંગે તો કટેંગે’: CM યોગીના ‘બટેંગે તો કટેંગે’ને RSSનું સમર્થન, કહ્યું- હવે આપણે તેને આચરણમાં લાવવું પડશે

    ઉત્તર પ્રદેશના મથુરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક બેઠક શનિવારે (26 ઑક્ટોબર 2024)ના રોજ સમાપ્ત થઈ છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંઘના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત સાથે લગભગ 30 મિનિટ સુધી ઔપચારિક મુલાકાત કરી હતી અને કુંભ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ આ માહિતી આપી હતી.

    દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSSએ) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’વાળા નિવેદનનું સમર્થન કર્યું હતું. દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, “આપણે જાતિ-ભાષા અને પ્રાંતનો ભેદ કરીશું તો આપણે ચોક્કસથી કપાઈ જઈશું.” તેમણે કહ્યું કે, હિંદુ એકતા હંમેશા લોક કલ્યાણ માટે હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સૂત્રને આચરણમાં લાવવું પડશે.

    તેમણે જાતિનું રાજકારણ કરતા રાજનેતાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. દત્તાત્રેય હોસબોલેએ કહ્યું, “ઘણી શક્તિઓ હિંદુઓને તોડવાનું કામ કરી રહ્યા છે. તે અનેક પ્રકારની શક્તિઓ છે. તે હિંદુઓને જાતિના નામે તોડશે, વિચારધારાના નામે તોડશે, પ્રાંતના નામે તોડશે, ભાષાના નામે તોડશે. કોઈ અન્ય કારણોમાં પણ તોડશે. તેનાથી સાવધાન રહેવું જરૂરી છે.” આ ઉપરાંત વક્ફ સંશોધન મામલે RSS સરકારની સાથે હોવાનું પણ કહ્યું હતું.