Thursday, March 20, 2025
More

    ‘મૂકપ્રેક્ષક ન બને બાંગ્લાદેશ સરકાર, હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે’: RSSએ કહ્યું- સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અયોગ્ય, મુક્ત કરવામાં આવે

    બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અને ઈસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ અવાજ ઉઠાવ્યો છે અને પગલાં લેવા માટેની માંગ કરી છે. શનિવારે (30 નવેમ્બર) સંઘના સહકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ એક નિવેદન બહાર પાડ્યું હતું. 

    નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયો પર ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા જે અત્યાચારો થઈ રહ્યા છે, તેને સંઘ વખોડી કાઢે છે. આ ઘટનાઓ પર કડક પગલાં લેવાના સ્થાને બાંગ્લાદેશની સરકાર અને અન્ય એજન્સીઓ મૂકપ્રેક્ષક બની રહી છે. ઉપરથી જ્યારે હિંદુઓ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે તેને દબાવવાના પ્રયાસ કરવામાં આવે છે. 

    ઈસ્કોન સંન્યાસી ચિન્મય કૃષ્ણદાસ વિશે કહેવામાં આવ્યું કે, તેઓ શાંતિપૂર્ણ રીતે આયોજિત પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમની ધરપકડ બિલકુલ યોગ્ય નથી. સંઘ બાંગ્લાદેશ સરકારને તાત્કાલિક હિંદુઓ વિરુદ્ધ અત્યાચાર પર લગામ લગાવવા માટે અને ચિન્મય કૃષ્ણદાસને મુક્ત કરવા માટે જણાવે છે. 

    સંઘ આ સાથે ભારત સરકારને પણ બાંગ્લાદેશી હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શક્ય પ્રયાસો કરવા અપીલ કરી હતી.