Thursday, January 2, 2025
More

    ‘દરરોજ નવા-નવા મુદ્દાઓ ઊભા કરવા યોગ્ય નથી’: મંદિરો પરત મેળવવા મુદ્દે RSS ચીફ ડૉ. મોહન ભાગવત

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું (Mohan Bhagwat) એક નિવેદન હાલ ચર્ચાનું કારણ બન્યું છે. તેમણે એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તાજેતરમાં ચર્ચાતા મંદિરોના (Temples) મુદ્દા પર વાત કહી હતી. જેમાં કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ થઈ ગયું, હવે દરરોજ આવા મુદ્દાઓ ઉઠાવવા ઠીક નથી. 

    પુણેમાં યોજાયેલા ‘ઇન્ડિયા- ધ વિશ્વગુરુ’ કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. સરસંઘચાલકે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ અમુક વ્યક્તિઓને લાગે છે કે તેઓ ‘હિંદુઓના નેતા’ બની જશે અને જેથી નવા વિવાદો ઊભા કરવામાં આવી રહ્યા છે, જે અસ્વીકાર્ય છે. સાથે ઉમેર્યું કે, ભારતે સમાવેશિતા અને સદભાવનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. 

    સંબોધનમાં તેમણે કહ્યું, “ભક્તિના વિષય પર આવીએ તો…રામ મંદિર બનવું જોઈતું હતું અને બન્યું પણ. એ હિંદુઓ માટે શ્રદ્ધાનું સ્થળ છે…પણ ઘૃણા અને શત્રુતા માટે દરરોજ આવા નવા મુદ્દાઓ ઊભા ન કરવા જોઈએ. તેનો શું ઉપાય છે? આપણે દુનિયાને જણાવવું જોઈએ કે અમે સદભાવથી રહી શકીએ છીએ…દેશમાં અલગ-અલગ સંપ્રદાયો અને સમુદાયોની વિચારધારા પ્રવર્તે છે.”