Saturday, June 21, 2025
More

    ગેંગરેપના ગુનામાં જેલમાંથી જામીન મળ્યા બાદ આરોપી રિયાઝ સહિત 7 લોકોએ કાઢ્યું ‘વિજય સરઘસ’: કોંગ્રેસ શાસિત કર્ણાટકની ઘટના

    કર્ણાટકના (Karnataka) હાવેરી શહેરમાં એક ચોંકાવનારી ઘટનામાં, ગેંગરેપના સાત આરોપીઓનું (gang-rape accused) તેમના સમર્થકો દ્વારા હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું. ‘વિજય સરઘસ’નો (victory procession) વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    અહેવાલો અનુસાર, ગેંગરેપના આ આરોપીઓની ઓળખ આફતાબ ચંદનકટ્ટી, મદાર સાબ મંદાક્કી, સમીવુલ્લા લલનાવર, મોહમ્મદ સાદિક અગાસીમાની, શોએબ મુલ્લા, તૌસીપ ચોટી અને રિયાઝ સવિકેરી તરીકે કરવામાં આવી છે.

    જાન્યુઆરી 2024માં 26 વર્ષીય મહિલા પર થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં મંગળવારે (20 મે) હાવેરી સેશન્સ કોર્ટે 7 લોકોને જામીન આપ્યા હતા. જે તમામ છેલ્લા 17 મહિનાથી ન્યાયિક કસ્ટડીમાં છે.

    ગેંગરેપના આ આરોપીઓનું કાર અને બાઇકમાં તેમના સમર્થકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ ઘટના બાદ, 7 લોકો વિરુદ્ધ ‘ગેરકાયદેસર રીતે ભેગા થવા’ અને ‘ખતરનાક રીતે વાહન ચલાવવા’ બદલ FIR દાખલ કરવામાં આવી હતી. હાવેરી પોલીસ અધિક્ષક અંશુ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “અમે આ આરોપીઓ સામે કેસ નોંધીશું અને તેમના જામીન રદ કરવા માટે કોર્ટમાં અપીલ કરીશું.”