કોલકાતાની RG કર હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યા મામલે ચાલી રહેલા કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. સિયાલદાહ CBI સ્પેશિયલ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી લીધા બાદ ચુકાદો અનામત રાખ્યો છે. જે 18 જાન્યુઆરીના રોજ સંભળાવવામાં આવશે.
આ કેસમાં એકમાત્ર આરોપી છે સંજય રૉય. જેના માટે CBIએ મૃત્યુદંડની માંગ કરી છે. કેસની તપાસ CBI કરી રહી છે અને એજન્સીએ જ ચાર્જશીટ પણ રજૂ કરી હતી.
એજન્સીએ જણાવ્યું હતું કે, ભૌતિક સાક્ષ્ય, પરિસ્થિતિજન્ય સબૂતો અને ફોરેન્સિક રિપોર્ટ પરથી સાબિત થાય છે કે આ ઘટનાને સંજય રોયે જ અંજામ આપ્યો છે અને તેને ગુનેગાર ઠેરવીને મોતની સજા આપવી જોઈએ. ચાર્જશીટમાં CBIએ 100 સાક્ષીઓની જુબાની, 12 પોલીગ્રાફ ટેસ્ટ, સીસીટીવી કેમેરા ફૂટેજ, કોલ ડિટેલ, ફોરેન્સિક રિપોર્ટ, આરોપીનું નિવેદન વગેરેનો આધાર લીધો હતો.
આ ઘટના ઑગસ્ટ, 2024ની છે. પહેલાં કોલકાતા પોલીસ તેની તપાસ કરી રહી હતી, ત્યારબાદ કોર્ટના આદેશથી કેસ CBIને સોંપવામાં આવ્યો. નવેમ્બર, 2024માં ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી, જે 69 દિવસ બાદ પૂર્ણ થઈ. હવે 18 જાન્યુઆરીએ ચુકાદો અપાશે.