કોલકાતાની RG કર હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને ત્યારબાદ હત્યાના મામલે CBIએ ઘટનાનાં તથ્યો છુપાવવા અને શરૂઆતમાં ઢાંકપિછોડો કરવા બદલ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ ધરપકડ કરી હતી. હવે આ કેસમાં કોર્ટે તેમને જામીન આપ્યા છે. CBI નિયત સમયમાં ચાર્જશીટ રજૂ કરી ન શકતાં કોર્ટે આરોપીને જામીન આપ્યા હોવાનું કહેવામાં આવે છે.
જોકે, સંદીપ ઘોષ RG કર હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના એક કેસમાં પણ આરોપી છે, જેથી તેમાં જામીન ન મળે ત્યાં સુધી તેઓ જેલમાં જ રહેશે. ઘોષ સાથે આ કેસમાં સ્થાનિક પોલીસ મથકના એક અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને પણ જામીન આપ્યા છે.
આ ઘટના ઑગસ્ટ, 2024માં બની હતી. જે મામલે પછીથી દેશભરમાં પ્રદર્શનો થયાં હતાં. શરૂઆતની તપાસને લઈને કોલકાતા પોલીસ પર પણ સવાલો ઉઠ્યા બાદ આખરે મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે મામલો CBIને સોંપ્યો હતો. એજન્સીએ પછીથી આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. કેસમાં મુખ્ય આરોપી પહેલેથી જ પકડાઈ ગયો છે અને હાલ ટ્રાયલનો સામનો કરી રહ્યો છે.