Saturday, March 15, 2025
More

    RG કર રેપ-મર્ડર કેસમાં ગુનેગાર સંજય રૉયને ફાંસીના માચડે ચડાવવાની માંગ સાથે હાઇકોર્ટ જશે CBI

    પશ્ચિમ બંગાળના બહુચર્ચિત આરજી કર રેપ વિથ મર્ડર કેસમાં ટ્રાયલ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ હવે CBI તેના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવા જઈ રહી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં CBI કલકત્તા હાઈકોર્ટમાં સંજય રોયને મોતની સજા ફટકારવાની માંગ કરશે. આ પહેલાં નીચલી કોર્ટે તેને આજીવન કેદની સજા આપી હતી. એજન્સીની માંગ છે કે ગુનેગારને મૃત્યુદંડ આપવામાં આવે.

    રિપોર્ટમાં CBIના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીય તપાસ એજન્સી આગામી 2 દિવસમાં કલકત્તા હાઇકોર્ટમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારશે. CBI અરજી દાખલ કરીને ગુનેગાર સંજય રોય માટે ફાંસીની સજાની માંગ કરશે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ સરકાર પણ આ મામલે હાઈકોર્ટ પહોંચી છે અને દોષી માટે ફાંસીની સજાની માંગ કરી છે. CBIએ મમતા સરકારના આ પગલાંનો વિરોધ કરતાં જણાવ્યું છે કે માત્ર અભિયોજન પક્ષ જ આ નિર્ણયને પડકારવા માટેનો અધિકારી છે. વાસ્તવમાં આ કેસમાં CBI પોતે અભિયોજન પક્ષ છે અને શરૂઆતથી જ દોષીને ફાંસીના માંચડે લટકાવવાની એજન્સીની માંગ રહી છે.

    પશ્ચિમ બંગાળની નીચલી કોર્ટે આરોપીને દોષી જાહેર કરીને તેને અંતિમ શ્વાસ સુધી કારાવાસની સજા ફટકારી હતી. CBIએ આ કેસને રેર-ઓફ-ધ-રેર કેસ માનવા ભલામણ કરી હતી, પરંતુ નીચલી કોર્ટે આ કેસને રેર કેસમાં નહોતો લીધો. ત્યારે મમતા સરકાર પણ વચ્ચે કૂદી પડી. હાલ હાઇકોર્ટે કહ્યું છે કે, તેઓ પહેલાં CBI, પીડિતના પરિવાર અને દોષીના વકીલને સાંભળશે અને બાદમાં જ કોઈ નિર્ણય લેશે. આ મામલે કલકત્તા હાઈકોર્ટ આગામી 25 જાન્યુઆરી, 2025ના રોજ સુનાવણી કરશે.