Sunday, March 2, 2025
More

    ‘હું બાંગ્લાદેશ પરત ફરીશ, એટલા માટે જ અલ્લાહે મને જીવતી રાખી છે’: શેખ હસીનાનું એલાન, કહ્યું- શહીદોનો બદલો પણ લઈશ

    બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે, તેઓ પોતાના દેશ પાછા ફરશે. તેમણે કહ્યું છે કે, કદાચ આ જ કારણ છે કે, અલ્લાહે તેમને જીવતા રાખ્યા છે. તેમણે ખાતરી આપી છે કે, તેઓ સત્તાપલટો થયો તે દરમિયાન માર્યા ગયેલા દરેક પીડિતનો બદલો લેશે. તેમણે આ બધી વાતો એક ઓનલાઈન સાર્વજનિક રેલીમાં કહી છે.

    શેખ હસીનાએ કહ્યું છે કે, “વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલી હિંસામાં પોલીસ, આવામી લીગના કાર્યકરો, બુદ્ધિજીવીઓ અને કલાકારો માર્યા ગયા છે. છતાં, તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. યુનુસના શાસનમાં પીડિતોના પરિવારો ન્યાય માંગી શકતા નથી.”

    શેખ હસીનાએ કહ્યું છે કે, મોહમ્મદ યુનુસ દેશ ચલાવવા માટે સક્ષમ નથી અને તેમણે પોતે પણ તે વાત સ્વીકારી છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા યુનુસની નકારાત્મકતા દર્શાવે છે. તેમણે જુલાઈ-ઓગસ્ટમાં થયેલી હિંસા દરમિયાન પોલીસે લીધેલા પગલાંનો પણ બચાવ કર્યો છે.

    નવી દિલ્હીમાં આશ્રય લેનારા ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે, “જો હવે પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો તે સાબિત થશે કે તેમના (હિંસા દરમિયાન માર્યા ગયેલા) મૃત્યુ પોલીસ ગોળીબારને કારણે નહોતા થયા.” તેમણે તેમના ઘરને તોડી પાડવાની ટીકા પણ કરી હતી.