Saturday, March 8, 2025
More

    પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાતના ટેબ્લોની હેટ્રિક: પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સતત ત્રીજી વખત મેળવ્યું પ્રથમ સ્થાન

    26 જાન્યુઆરી, 76માં પ્રજાસત્તાક દિન (Republic Day) નિમિત્તે કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં દેશના વિવિધ રાજ્યોએ ટેબ્લો (Tableau) રજૂ કર્યા હતા. જેમાં ગુજરાતના ટેબ્લોને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં (Popular Choice Category) સૌથી વધુ મત મળ્યા છે. ગુજરાતને સતત ત્રીજા વર્ષે ટેબ્લો માટે સૌથી વધુ મત મળ્યા છે.

    જોકે, ટેબ્લોના મૂલ્યાંકન માટે જે પેનલ નક્કી કરવામાં આવી હતી તેમણે ઉત્તર પ્રદેશને પ્રથમ ત્રિપુરાને બીજો તથા આંધ્ર પ્રદેશને ત્રીજો ક્રમ આપ્યો હતો. આ સિવાય સામાન્ય નાગરિકો માટે 26થી 28 જાન્યુઆરી દરમિયાન MyGov એપ પર ઓનલાઈન પોલ આયોજિત કરવામાં આવ્યો હતો.

    જેમાં ગુજરાતને પ્રથમ, ઉત્તર પ્રદેશને બીજું અને ઉત્તરાખંડને ત્રીજું સ્થાન મળ્યું છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, “છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લૉ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે, તે વિશેષ આનંદની વાત છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગુજરાતના સૌ નાગરિકોને ખૂબ-ખૂબ અભિનંદન.”

    આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘સ્વર્ણિમ ભારત: વિરાસત ઓર વિકાસ’ થીમ પર આધારિત, આપણા ટેબ્લોમાં ગુજરાતના ભવ્ય ભૂતકાળને તેના જીવંત વર્તમાન સાથે મિશ્રિત કરવામાં આવ્યું, જે આપણા રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પ્રભાવશાળી વિકાસને દર્શાવે છે.”

    તેમણે આગળ લખ્યું કે, “આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગુજરાતની અસાધારણ શિલ્પકલા, સર્જનાત્મકતા અને આપણા સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ કરવા પ્રત્યેના સમર્પણનો પુરાવો છે.”