મહિલા નેતા રેખા ગુપ્તા દિલ્હીનાં નવાં મુખ્યમંત્રી હશે. બુધવારે (19 ફેબ્રુઆરી) યોજાયેલી ભારતીય જનતા પાર્ટીના વિજેતા ધારાસભ્યોની બેઠકમાં તેમના નામ ઉપર મહોર લાગી હતી.
श्रीमती रेखा गुप्ता जी को दिल्ली भाजपा विधायक दल का नेता चुने जाने पर हार्दिक बधाई एवं अशेष शुभकामनाएँ।
— BJP Delhi (@BJP4Delhi) February 19, 2025
हमें पूर्ण विश्वास है कि आपके नेतृत्व में प्रदेश उत्तरोत्तर प्रगति करेगा। pic.twitter.com/K8Mu5SyvdV
કેન્દ્રીય નેતૃત્વ તરફથી જેમના શિરે ધારાસભ્યોના નેતાની ચૂંટણી કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી એ બંને નેતાઓ રવિશંકર પ્રસાદ અને ઓમપ્રકાશ ધનખડ બેઠકમાં પહોંચ્યા હતા. જેમણે ધારાસભ્યોને પ્રસ્તાવ રજૂ કરવા માટે જણાવ્યું હતું. બેઠકમાં રેખા ગુપ્તાના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, જેને બહુમતી ધારાસભ્યોએ સમર્થન આપ્યા બાદ સર્વાનુમતે નેતા તરીકે વરણી કરવામાં આવી. પ્રસ્તાવ નવી દિલ્હીથી ચૂંટાયેલા ધારાસભ્ય પ્રવેશ વર્માએ મૂક્યો હતો, જેને અન્ય સભ્યોનું સમર્થન મળ્યું.
હવે સીએમ રેખા ગુપ્તા સીધા ઉપરાજ્યપાલને મળવા માટે રાજ ભવન જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. રાજ્યપાલના આમંત્રણ પર તેઓ આવતીકાલે (20 ફેબ્રુઆરી) શપથગ્રહણ કરશે.
રેખા ગુપ્તા દિલ્હીની શાલીમાર બાગ બેઠક પરથી જીત મેળવીને પહેલી વખત ધારાસભ્ય બનીને વિધાનસભા પહોંચ્યાં છે. તેમણે આમ આદમી પાર્ટી ઉમેદવારને લગભગ 29 હજાર વૉટથી હરાવ્યાં હતાં. તેઓ ભારતીય જનતા યુવા મોરચા અને ત્યારબાદ પાર્ટીમાં અનેક પદ પર ફરજ બજાવી ચૂક્યાં છે. હાલ તેઓ મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ પણ છે. વર્ષ 2007માં તેઓ પહેલી વખત કોર્પોરેટર બન્યાં હતાં. તેઓ વર્ષ 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણી પણ લડ્યાં હતાં, પરંતુ પરાજય થયો હતો. 2025માં એ જ શાલીમાર બેઠક પરથી પાર્ટીએ ફરી એક વખત ટિકિટ આપી અને આ વખતે તેમણે વિજય મેળવ્યો.