Tuesday, March 18, 2025
More

    કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી શરૂ: બુલેટ, મેટ્રો અને રેલવેની સુવિધા મળશે એક જ જગ્યાએ, બે બેઝમેન્ટ-એલિવેટેડ રોડનું થશે નિર્માણ

    અમદાવાદના (Ahmedabad) કાલુપુર રેલવે સ્ટેશનને (Kalupur Railway Station) બુલેટ, મેટ્રો અને ભારતીય રેલવે એમ ત્રણેય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સાથે ₹2,384 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ (Redevelopment) કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના પ્રથમ ફેઝની કામગીરી શરૂ થઈ ગઈ છે. જૂના કાલુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગ પરિસર અને અન્ય બિલ્ડિંગને ડિમોલિશન કરી બે બેઝમેન્ટ બનાવવા અને એલિવેટેડ રોડની કામગીરી ચાલી રહી છે.

    અમદાવાદ ડિવિઝનના DRM અને અન્ય રેલવે અધિકારીઓ દ્વારા સાઈટની મુલાકાત લેવામાં આવી હતી. 2027માં કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થઈ જશે તેવી સંભાવનાઓ સામે આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈ રીલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશન આખું ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવનાર હોવાથી સારંગપુર તરફ રેલવે પ્લેટફોર્મ 1 તરફનો ભાગ પાર્કિંગ પરિસર અને રીઝર્વેશન સેન્ટર સહિતની કેટલીક બિલ્ડિંગોને તોડી પાડવામાં આવી છે.

    કાલુપુર રેલવે સ્ટેશનમાં અવરજવરને ધ્યાને રાખીને સીધા નીકળી શકાય તે રીતનો એલિવેટેડ રોડ પણ બનાવવામાં આવ્યો છે. જે કાલુપુર અને સારંગપુરને જોડશે. કોઈપણ પ્રકારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેનું આખું આયોજન કરવામાં આવ્યું છે.