Tuesday, July 15, 2025
More

    ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદ, ભાવનગર, બોટાદ સહિતના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ: અનેક સ્થળોએ શાળા-કોલેજો બંધ રાખવા આદેશ

    હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, અમદાવાદ શહેર સિવાય ગુજરાતના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે, બુધવારે સવાર સુધીમાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. IMDએ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. 

    તે સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ અને કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

    નોંધનીય છે કે, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ વરસવાના કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ભાવનગરના મહુવા, તલગાજરડા વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા હતા અને લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. તે સિવાય બોટાદમાં પણ મેઘતાંડવ જોવા મળ્યો હતો, જેના કારણે અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આવી જ સ્થિતિ અમરેલીમાં પણ હતી. વધુમાં ભાવનગરના કલેકટરે બુધવારના રોજ (17 જૂન) તમામ શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ આપ્યા છે.