વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેઇલ મળી આવ્યા બાદ પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ પર આવી ગઈ છે. બૉમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા ટર્મિનલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ ધમકીભર્યો ઇ-મેઇલ CISFના ઇ-મેઇલ એડ્રેસ પર મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મેઇલ મળ્યા બાદ જ પોલીસ સહિતની વિવિધ એજન્સીઓની ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ પરિસરમાં તપાસ ચાલુ કરાઈ હતી.
પોલીસ સહિતની વિવિધ ટીમોએ તપાસ કરતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ ઉપરાંત હાલ ઇ-મેઇલની તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.