Friday, January 31, 2025
More

    ‘દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓ, સર્વોચ્ચ પદની ગરિમાને ઠેસ પહોંચી’: રાષ્ટ્રપતિ વિશે સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની ટિપ્પણીઓ પર રાષ્ટ્રપતિ ભવન

    સંસદમાં બજેટ સત્રના આરંભે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પરંપરાગત રીતે બંને ગૃહને સંબોધિત કર્યાં હતાં. રાષ્ટ્રપતિનું અભિભાષણ પૂર્ણ થયા બાદ સંસદની બહાર આવતી વખતે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ અને તેમનાં ભાષણ વિશે અમુક ટિપ્પણીઓ કરી હતી, જેને લઈને હવે રાષ્ટ્રપતિ ભવન તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. 

    રાષ્ટ્રપતિભવન તરફથી જાહેર વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું કે, “સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રતિક્રિયા આપતી વખતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કરેલી ટિપ્પણીઓથી સ્પષ્ટ રીતે સર્વોચ્ચ પદની ગરિમાને ઠેસ પહોંચી છે અને આ અસ્વીકાર્ય બાબત છે.”

    આગળ કહેવામાં આવ્યું કે, “આ નેતાઓએ કહ્યું કે, રાષ્ટ્રપતિ અંત સુધીમાં થાકી ગયાં હતાં અને બોલી પણ શકતાં ન હતાં. પરંતુ રાષ્ટ્રપતિ ભવન સ્પષ્ટતા કરવા માંગે છે કે આ સત્યથી તદ્દન વેગળી બાબત છે. આ ટિપ્પણીઓ દુર્ભાગ્યપૂર્ણ છે.”

    ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ સંસદમાંથી બહાર આવતી વખતે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ મીડિયાના માઈક-કેમેરા સામે અમુક ટિપ્પણીઓ કરી હતી. રાહુલ ગાંધી ભાષણને ‘બોરિંગ’ કહેતા સંભળાય છે તો સોનિયા ‘પુઅર થિંગ’ કહીને કહે છે કે રાષ્ટ્રપતિ અંત સુધીમાં થાકી ગયાં હતાં. ભાજપે રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ કોંગ્રેસ નેતાઓ માફી માંગે તેવી માંગ કરી છે.